ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ-અમરેલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયા દ્વારા સરંભડા ગામે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શ્રી કે.કે. શાહ જનતા વિદ્યાલય-સરંભડા અને વેદ વોલન્ટરી બ્લડ બેંક, અમરેલીના સહયોગથી આયોજિત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેનાના વીર જવાનોની બહાદુરીને બિરદાવવાનો હતો. સ્વૈચ્છિક રક્તદાન કરીને ઉપસ્થિત સૌએ ‘રાષ્ટ્રહિત સર્વોપરી’નો મહત્વનો સંદેશ સમાજને આપ્યો. આ પ્રસંગે ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ-અમરેલીના મેનેજિંગ ટ્રસ્ટી મોટાભાઈ સંવટ, ઈફકોના ડેલીગેટ દલસુખભાઈ દુધાત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાંકિયાના મેડિકલ ઓફિસર ડો. કિરણબહેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓને ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ-અમરેલી દ્વારા સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર-સરંભડા અને વેદ બ્લડ બેંક અમરેલીની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, જ્યારે કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન રુચિનાબહેન સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.