અમરેલીમાં ST કર્મચારીઓએ અચાનક હડતાળનું એલાન કરતાં બસ સેવા લગભગ અડધા કલાક સુધી ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. ST કર્મચારી મંડળના પ્રમુખ પંકજભાઈ જાનીના જણાવ્યા અનુસાર, કેટલાક બહારના વ્યક્તિઓ દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં, કર્મચારીઓએ વિરોધ સ્વરૂપે હડતાળનો માર્ગ અપનાવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ ST વિભાગીય નિયામક કચેરીના ડિવિઝનલ કંટ્રોલર તુરંત ST ડેપો પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અમરેલી સિટી પોલીસ સ્ટેશન પહોંચીને બહારના શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમયે ST ડેપો મેનેજર, ST વિભાગના અધિકારીઓ, અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા.