અમરેલી શહેરના એરપોર્ટ પરથી પાયલોટ ટ્રેનિંગના ભાગરૂપે નાના સિંગલ એન્જિનના વિમાનો સતત શહેર માથે ચકરાવો લઈને ઊડતા હોવાના કારણે શહેરીજનોમાં ખૂબ જ ભયનો માહોલ ઉભો થયો છે. ગત દિવસોમાં એક ટ્રેની પાયલોટ વિમાન અમરેલી શહેરમાં તૂટી પડવાની ઘટના પણ બની હતી, જેમાં ચાલક પાયલોટનું મૃત્યુ થયું હતું. આથી, અમરેલી શહેરના અગ્રણીઓ અને વિવિધ નાગરિકો દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરવા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ સંદર્ભે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડૂ અને રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખીને પ્રજાજનોની રજૂઆત પરત્વે તાકીદે જરૂરી પગલાં ભરવા ભારપૂર્વક રજૂઆત કરી છે.










































