જિલ્લા ક્ષય કેન્દ્ર-અમરેલી ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી-ગીર દ્વારા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો અને તેમને રોગ સામે લડવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં અમરેલી શહેરના ૪૦ ટીબીના દર્દીઓએ ભાગ લીધો હતો, જેમને પોષણયુક્ત આહાર માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ દ્વારા દર્દીઓને પોષણયુક્ત આહારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. પોષણયુક્ત આહાર લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ક્ષય રોગ સામે લડવામાં મદદ મળે છે તેવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા દર્દીઓને સારવાર પૂરી કરવા, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તેમજ પોષણયુક્ત આહાર લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ સફળ રહ્યો હતો. ઇનરવ્હીલ ક્લબ મહિલાઓ દ્વારા ચાલતી સામાજિક સેવાકીય સંસ્થા છે. આ ક્લબમાં અત્યારે ૭૦ થી વધુ મહિલાઓ જોડાયેલ છે જે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ કાર્યક્રમમાં સંસ્થાના બહેનોએ હાજરી આપી હતી.