અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૪-૨૫ કાર્યક્રમનું આયોજન છે. તા.૨૩ને શનિવારના રોજ અમરેલી શ્રી કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે. આગામી તા. ૨૩ અને તા.૨૪ નવેમ્બર-૨૦૨૪ એમ બે દિવસીય કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા કલાકારો વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાના પ્રથમ ક્રમાંક વિજેતા કલાકારો પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૪-૨૫માં ભાગ લેશે. જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા વિસ્તાર ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગરના શહેર તથા ગ્રામ્ય કક્ષાના તથા પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીના ૧૫ થી ૨૯ વર્ષના જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક વિજેતા કલાકાર ભાઈઓ-બહેનો અ-બ અને ખુલ્લા વિભાગની વક્તૃત્વ, શીઘ્ર વક્તૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ, શાયરી, કાવ્યલેખન, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય લોકવાદ્ય, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય,
લોકનૃત્ય, લોકગીત, એકાંકી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું), ગીટાર, શાસ્ત્રીય નૃત્ય ઓડીસી, કથ્થક, કુચીપુડી, ભરત નાટ્યમ, પોસ્ટર મેકિંગ, હેન્ડીક્રાફ્ટ ડીક્લેમેશન, કાવ્યલેખન, વાંચન, સ્ટોરી રાઈટીંગ, વિજ્ઞાન મેળાની વિવિધ કૃતિઓ સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબરના વિજેતા કલાકારો ડિસેમ્બરમાં રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેશે. પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૪-૨૫ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા અને અતિથિ વિશેષ તરીકે જિલ્લાના ધારાસભ્ય જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા અને અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી ઉપસ્થિત રહેશે.