નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા સંચાલિત તમામ શાળાઓના સંયુક્ત ઉપક્રમે ચતુર્થ વાર્ષિકોત્સવ ‘ઉલ્લાસ (૪.૦)-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અતિ ઉત્સાહભર્યા વાર્ષિક મહોત્સવમાં શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી બધી જ શાળાઓના નાના ભૂલકાઓથી લઈને તમામ બાળકો એક વિશાળ અને ભવ્ય મંચ પર પોતાની અવનવી કલાકૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરશે. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં વર્ષ દરમિયાન વિશિષ્ટ પ્રગતિ કરનારા પ્રતિભાશાળી રત્નોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. જે તેજસ્વી વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપરાંત રમતગમત તેમજ અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે, તેઓને આ મંચ પરથી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, પાયાના શિક્ષણને મજબૂત બનાવતા અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ આકાર આપતા એવા શિક્ષણ સમિતિના કર્મનિષ્ઠ આચાર્યો તેમજ જે શિક્ષકોએ શિક્ષણ જગતમાં કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓનું પણ બહુમાન કરવામાં આવશે. શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવે તેવા આશયથી દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવશે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉત્સાહી વિદ્યાર્થીઓ, વાલીગણ સહિત શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, તબીબો અને વકીલ મંડળના સભ્યો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કરશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, વાઇસ ચેરમેન દામજી ગોલ તથા શાસનાધિકારી આશિષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમિતિ પરિવાર, આચાર્યો અને શિક્ષકો રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીના સંદીપ વામજાની યાદીમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે.