અમરેલી શહેરમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાં ખાસ કરીને ચક્કરગઢ રોડ પર આવેલી પટેલ સંકુલમાં દીકરીઓને લઈ અસલામતી ઉભી થઈ છે. પટેલ સંકુલમાં ૮,૦૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે જેમાંથી ૧૧૦૦ જેટલી દીકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે.આ વિસ્તારમાં શાળા છૂટવા અને શરૂ થવાના સમયે લુખ્ખાઓના આંટાફેરા વધી જતા હોવાથી આ બાબતે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉઘાડે જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં પૂર્વ કેબિનેટ મંત્રીએ જણાવ્યું છે કે અગાઉ પૂર્વ જિલ્લા પોલીસ વડા દ્વારા આંટાફેરા મારતા લુખ્ખા તત્વોને ઝડપી કાયદાકીય પાઠ ભણાવવામાં આવ્યો હતો અને રોમિયોગીરી કરતા ઇસમો સામે પણ કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. તેથી અમરેલી સંકુલ અને વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓની સલામતી માટે રોમિયો સ્કોવોડ બનાવવામાં આવે તેવી પૂર્વ કેબિનેટ મંત્રી એ રજૂઆત કરી છે.







































