અખાત્રીજનો દિવસ સોના-ચાંદી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. જેથી આ દિવસે મુહૂર્ત સાચવા માટે સોના-ચાંદીની ખરીદી કરવા જવેલર્સમાં ગ્રાહકોની ભીડ દેખાઈ હતી. જોકે સોના-ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે, ત્યારે મુહૂર્ત સાચવવા લોકોએ આજના દિવસે સોના-ચાંદીની ખરીદી કરી હતી.
આજના દિવસનું વણજાયું મુહૂર્ત હોય છે. તેથી સારો વેપાર થવાની જ્વેલર્સને આશા હોય છે. અમરેલીમાં હાલ દર વર્ષ કરતાં આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી ખરીદીનો થોડો ઓછો માહોલ છે, પણ જ્વેલરીના શો રૂમમાં ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર આજના દિવસે અમરેલીમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૩૦૦૦ની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૬૭,૦૦૦ આસપાસ ચાલી રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ૮૫,૭૦૦ આસપાસ છે. થોડા ભાવ ઓછા થતાં લાઈટ વેટની જ્વેલરી લોકો વધુ પસંદ કરી રહ્યા છે. આ મામલે જવેલરીના વેપારીઓએ જણાવ્યું હતું કે, અખાત્રીજનો આ યોગ ૨૭ વર્ષ પછી આવ્યો છે. આ વખતે સોનાના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો આવ્યો છે. જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં ઘણા જવેલર્સને ત્યાં ૩૦ ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે ત્યારે જવેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર, અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની
તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે, આ વખતે આ તિથિ ૧૦ મે શુક્રવારે ઉજવવામાં આવી હતી. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો
થાય છે.