જિલ્લામાં પાંચ સ્થળેથી પોલીસે ૨૩ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી, જ્યારે છ ખેલી પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. જાફરાબાદના કડિયાળી ગામે બલાણા ગામ જવાના કાચા રસ્તા પાસે આવેલ ગૈચર સીમ વિસ્તારમાંથી એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રોકડા રૂ. ૬૭,૦૫૦, ૫ નંગ મોબાઇલ મળી કુલ ૧,૦૭,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી. જ્યારે છ ઇસમો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. અમરેલીના પાણીયા ગામેથી નદીના કાચા રસ્તે મેલડી માતાના મંદિર પાસેથી પોલીસે પાંચ જુગારીને હાર જીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૩૯૩૦ સાથે ઝડપી પાડ્યા હતા અને એક ખેલી ફરાર થઈ ગયો હતો. બાબરાના કર્ણુકી ગામે જાહેર બજારમાં જુગાર રમતાં બે ઇસમો રોકડા રૂ.૧૬,૧૨૦ સાથે ઝડપાયા હતા. અમરેલીમાં બટારવાડીમાં બે સ્થળેથી ૧૧ જુગારી રૂ.૪૮૫૦ રોકડા સાથે ઝડપાયા હતા.