સમગ્ર દેશમાં હાલ આઈપીએલ ફીવર ચાલુ છે. કિક્રેટના શોખીનોની સાથે સટોડીયા પણ સક્રિય બન્યા છે. ઘણીવાર તો ચાલુ ક્રિકેટ મેચમાં સટ્ટો રમાતો હોવાનું પણ સામે આવ્યું છે. અમરેલી શહેરમાં પણ બે શખ્સો આઈપીએલની મેચ દરમિયાન સટ્ટો રમતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બે શખ્સોને રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે ગઈકાલની મેચ દરમિયાન અસગર ફકરૂદ્દીન ત્રવાડી રહે.તારવાડી અને કુતુબ ગેરેજવાળો રૂ.૯૮૦૦૦ના ઓનલાઈન બેલેન્સવાળી આઈ.ડી. વડે હારજીતનો ક્રિકેટ સટ્ટો પોતાના મોબાઈલ ફોનમાં રમતા રોકડા રૂ.ર૧,૩૦૦ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.ર૬,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.