અમરેલીમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. દીકરો સરખી રીતે સાચવતો ન હોવાના મનદુઃખમાં પુત્રવધૂ અને અન્ય બે શખ્સોએ સાસુ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે રૂપાબેન મુળજીભાઇ દેકાવાડીયા (ઉ.વ.૬૫) એ પુત્રવધૂ શીતલબેન પ્રફુલભાઇ દેકાવાડીયા, શીતલબેનના ભાભી તથા લીલાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પુત્રવધૂ શીતલબેને તેમની પાસે જઈને કહ્યું હતું કે, ‘‘તારો દીકરો મને સરખો સાચવતો નથી, જેથી તારા દીકરા સાથે મારા છૂટાછેડા કરાવી દે અથવા મને પૈસા આપી દે.’’ આ બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. પુત્રવધુએ સાસુ સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો આપી હતી. પુત્રવધૂના ભાભીએ તેમને ગાલના ભાગે જોરદાર ઝાપટ મારી દીધી હતી. જ્યારે લીલાબેને પાટું મારી ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ એકસંપ થઈને તેને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.