સખી વન સ્ટોપ સેન્ટર અમરેલી ખાતે એક ૬૦ વર્ષીય વૃદ્ધા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે અને માત્ર ૨ દિવસમાં સેન્ટરના પ્રયાસોથી તેમની દીકરી સાથે તેમનું સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કૃક્ષી તાલુકાના સુસરી ગામના આ વૃદ્ધા અગાઉ ગુજરાતમાં મજૂરીકામ અર્થે આવ્યા હતા અને બાદમાં મધ્યપ્રદેશ પરત ફર્યા હતા. તેમને દીકરાઓ ન હોવાથી તેઓ દીકરીઓ અને જમાઈ સાથે રહેતા હતા. જોકે, દીકરી-જમાઈ સાથે અણબનાવ થતા તેઓ ફરીથી મધ્યપ્રદેશથી અમરેલી પહોંચ્યા હતા. અમરેલીના રાજુલા પહોંચ્યા બાદ તેઓ પહેલાં જે ગામમાં મજૂરી કરતા હતા તેનું નામ ભૂલી ગયા હતા અને અલગ-અલગ ભાષાઓ બોલતા હોવાથી રાજુલાના એક વ્યક્તિએ ૧૮૧ હેલ્પલાઇનને જાણ કરી હતી. ત્યારબાદ વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ પરિજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.










































