અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપ દ્વારા ૧૦૯મું નેત્રદાન સ્વીકારી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બાબરા તાલુકાના ચમારડી ગામે વસતા પ્રભાબેન જાદવભાઈ વાવડિયાનું ૬૧ વર્ષની વયે અવસાન થતા, શોકમગ્ન વાવડિયા પરિવારે તેમના નેત્રદાનના સંકલ્પને પ્રાધાન્ય આપ્યું હતું. અગાઉ ડી.જે.બી.એસ. ફાઉન્ડેશનના જાગૃતિ કાર્યક્રમમાં પ્રભાબેને ચક્ષુદાન માટે ફોર્મ ભર્યું હતું, જે યાદ રાખી પરિવારે શીતલ આઈસ્ક્રીમના ભૂપતભાઈ ભુવા મારફતે સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. મધ્યરાત્રિએ સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, મેહુલભાઈ વ્યાસ અને રોઝાદાર મોહસીન બેલિમે સેવા આપી ચક્ષુદાન સ્વીકાર્યું હતું. આ જાગૃતિ બે અંધજનોના જીવનમાં નવી રોશની લાવશે.