આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓએ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ કરી છે. જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, એક જ દિવસમાં જિલ્લાભરમાં કુલ ૨૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ‘એક પેડ મા કે નામ’ થીમ હેઠળ આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે સંકળાયેલી સેવા સહકારી મંડળીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલી દૂધ મંડળીઓ, જિલ્લા સહકારી સંઘ અને જિલ્લાની તમામ બજાર સમિતિઓના વેપારીઓ અને ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. આ સામૂહિક પ્રયાસ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સહકારી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.