અમરેલી ખાતે વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રભાવના સાથે સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. માતૃભૂમિની રક્ષા કરતા દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી કોલેજની દીકરીઓએ ૬૦ જેટલી પવિત્ર રાખડીઓ અને સંવેદનાપૂર્ણ પત્રો તૈયાર કરીને દિલ્હી સ્થિત આર્મી હેડ-ક્વાર્ટર ખાતે મોકલ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક ડો. એમ. એમ. પટેલ અને એન.એસ.એસ. ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. છાત્રાઓના આ દેશભક્તિપૂર્ણ કાર્ય બદલ સંસ્થાના હોદ્દેદારો વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી તેમજ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ તમામ વિદ્યાર્થીનીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.







































