શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના DLSS ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિઓને ધ્યાનમાં લેતા, ભવિષ્યમાં ઓલિમ્પિકમાં પણ અમરેલી જિલ્લાનું નામ રોશન થાય તેવી શક્યતા છે, એવું સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું. તાજેતરમાં જ, તારીખ ૨૨ થી ૨૭ ડિસેમ્બર દરમિયાન દીંડીગુલ, તમિલનાડુ ખાતે ૪૬મી જુનિયર બહેનોની નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલના ત્રણ ખેલાડીઓ, હડિયા સુમિતા, વેગડ મીના અને સોલંકી દિવ્યાએ ગુજરાત રાજ્યની ટીમમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ત્રણેય ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીતીને અમરેલી જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે.