અમરેલી જિલ્લાની શાન ગણાતી અમર ડેરીએ શ્વેતક્રાંતિના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યો છે. દેશ અને દુનિયાના કરોડો લોકો જેના અદ્‌ભુત સ્વાદ અને શ્રેષ્ઠ ગુણવત્તાથી ખૂબ જ સારી રીતે પરિચિત છે, તે જગપ્રખ્યાત અમુલ આઈસ્ક્રીમ હવે અમરેલીની અમર ડેરીના આધુનિક પ્લાન્ટમાં જ બનવા જઈ રહ્યો છે. આ અત્યંત મહત્વકાંક્ષી અને ગૌરવશાળી પ્રોજેક્ટ અંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ સત્તાવાર માહિતી આપતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમુલ આઈસ્ક્રીમની તમામ અવનવી વેરાઈટીઓ તેના અસલી ફ્‌લેવર, મૂળ સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સાથે હવે અમરેલીના પ્લાન્ટમાં જ સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી સમગ્ર અમરેલી પંથક અને સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ નવનિર્મિત પ્લાન્ટની અદભુત ઉત્પાદન ક્ષમતા વિશે વિગતવાર વાત કરીએ તો, અમર ડેરી દરરોજ અંદાજે ૧૦ હજાર લીટર જેટલા વિપુલ પ્રમાણમાં અમુલ આઈસ્ક્રીમનું સફળતાપૂર્વક ઉત્પાદન કરશે. આ નવીન શરૂઆતનો સૌથી મોટો, મહત્વનો અને સીધો ફાયદો એ થશે કે અત્યાર સુધી ગાંધીનગરમાં આવેલા અમુલ આઈસ્ક્રીમના મુખ્ય પ્લાન્ટથી લાંબા અંતરના ટ્રાન્સપોર્ટેશનની મર્યાદાઓના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના છેવાડાના વિસ્તારોમાં નિયમિત રીતે આઈસ્ક્રીમ પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓ નડતી હતી. પરંતુ હવે અમરેલીની અમર ડેરીમાં જ આઈસ્ક્રીમનું મોટા પાયે ઉત્પાદન થવાના કારણે તે સમગ્ર સૌરાષ્ટ્રના નાના-મોટા તમામ બજારોમાં ખૂબ જ ઝડપથી, સરળતાથી અને સમયસર નિયમિત રીતે પહોંચતો થશે. ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમુલ આઈસ્ક્રીમના અત્યંત લોકપ્રિય એવા કોન, કેન્ડી અને આઈસ્ક્રીમ કપ સહિતની તમામ નાની-મોટી આકર્ષક વેરાઈટીઓ અહીં જ બનાવવામાં આવશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં અમુલ આઈસ્ક્રીમનો પોતાનો કોઈ મોટો હબ પ્લાન્ટ ન હોવાથી, અમર ડેરીમાં આ કામગીરી શરૂ થવાને લીધે વાહનોના ભારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને કિંમતી સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે, જે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ નવો આઈસ્ક્રીમ પ્લાન્ટ વિધિવત રીતે શરૂ થતાંની સાથે જ આગામી સમયમાં સ્થાનિક સ્તરે આસપાસના વિસ્તારના અંદાજે ૧૦૦ જેટલા લોકોને રોજગારીની સીધી અને નવી તકો પ્રાપ્ત થશે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે. આ આઈસ્ક્રીમના ઉત્પાદન દરમિયાન ગ્રાહકોનો ભરોસો, ગુણવત્તા અને સ્વાદ અકબંધ જળવાઈ રહે તે માટે અમુલના જ ખાસ ટેકનિકલ અધિકારીઓની સીધી દેખરેખ અને હાજરીમાં તમામ પ્રોડક્ટ્‌સનું કડક ગુણવત્તા નિયંત્રણ સાથે ઉત્પાદન કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અમર ડેરી માત્ર વૈજ્ઞાનિક પધ્ધતિથી આધુનિક ઉત્પાદન પ્રક્રિયાની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. આમ, અમર ડેરી અને અમુલના આ સમન્વયથી સૌરાષ્ટ્રના સ્વાદપ્રિય નાગરિકોને હવે વધુ ફ્રેશ અને ગુણવત્તાસભર આઈસ્ક્રીમ ખાવા મળશે.

દિલીપ સંઘાણી અને પરશોતમ રૂપાલાનો શ્વેતક્રાંતિમાં મહત્વનો ફાળો
અમર ડેરીમાં સ્થાપક ડિરેકટરો અને અમર ડેરીને ટૂંકા સમયમાં ટોચ પર લઈ જનાર શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરીયન તરીકે જેની અમરેલીમાં ગણના થાય છે તેવા દિલીપ સંઘાણીનો આ શ્વેતક્રાંતિમાં મહત્વનો ફાળો છે સાથોસાથ પરશોતમ રૂપાલાએ પણ અમર ડેરીને ટોંચ પર લઈ જવા માટે મહત્વનો ફાળો આપ્યો છે. અમર ડેરીમાં અમુલ આઈસક્રીમનું ઉત્પાદન આ બંને આગેવાનો પણ આભારી છે સાથોસાથ અમર ડેરીના તમામ ડિરેકટરોએ ખભેખભા મીલાવી આ નવી શ્વેતક્રાંતિનું સર્જન કર્યુ છે.