રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.
આ શૃંખલા અંતર્ગત ગત સોમવાર, ૯ માર્ચના રોજ અમરેલીના હનુમાનપરા રોડ પર આવેલા સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે હનુમાનપરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો અને સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ ચંદુભાઈ ખણેસાએ પ્રાસંગિક ઉદબોધન સાથે સૌ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર ઉદયગીરીબાપુ, શાસ્ત્રી ભાર્ગવભાઈ ભોરીંગડાવાળા અને અંજનાબેન ટીંબડીયાએ હિન્દુત્વના વ્યાપક અર્થ અને રાષ્ટ્ર સેવા વિશે પ્રેરક પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક મંદિરોના પૂજારીઓનું વિશેષ સન્માન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. મનિષભાઈ ધરાજીયા, સુખદેવસિંહ પુરોહિત સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં આ સંમેલન સફળ રહ્યું હતું. વિપુલ ભટ્ટીએ સંચાલન અને કિશોરભાઈ આજુગિયાએ આભાર વિધિ કરી હતી.








































