અમરેલી એલસીબી પોલીસે બાતમીના આધારે વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ વ્હેલ માછલીની ઉલટી(એમ્બરગ્રીસ)નું વજન ર કિલો ૯૧૦ ગ્રામ જેટલું થાય છે. જેની બજાર કિંમત રૂ.ર.૯૧ કરોડ જેટલી થતી હોવાનો ખુલાસો થયો છે. અમરેલી જિલ્લો દરિયાઈ વિસ્તાર ધરાવતો હોવાથી સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરફેરની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ રાખવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપતા અમરેલી એલસીબી આવા ઈસમો પર વોચ રાખીને બેઠી હતી ત્યારે અમરેલી શહેરમાં આવેલા સેન્ટર પોઈન્ટ પાસે બે શંકાસ્પદ ઈસમો આંટાફેરા કરતા હોવાથી પોલીસે બંને શખ્સોની પૂછપરછ
કરી હતી. જેમાં બંને શખ્સો પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા પોતાનું નામ કીશન ભુપત બારૈયા અને દિનેશ સડા ડોળાસીયા રહે. બંને જુના રાજપરા, તા. તળાજાવાળા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી
તેમની પાસે એમ્બરગ્રીસનો જથ્થો ર કિલો ૯૧૦ ગ્રામ અને તેની બજાર કિંમત રૂ.ર.૯૧ કરોડ હોવાનું જાણવા મળ્યુ છે.

 

આરોપીઓના સોમવાર સુધીના રીમાન્ડ મંજૂર
અમરેલી એલસીબી પોલીસે એમ્બરગ્રીસના જથ્થા સાથે પકડેલા આરોપીઓને વન વિભાગના અધિકારીને સોંપી દીધા છે. જેથી વન અધિકારી જયોતિબેન ખાખસ દ્વારા આ એમ્બરગ્રીસનો જથ્થો કોને આપવાનો હતો અને અમરેલી આવવાનું કારણ શું? સહિતની બાબતો માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા સોમવાર સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

 

ફોરેસ્ટ અધિકારી, વેટરનીટી ડોકટર અને હ્લજીન્ અધિકારીઓએ એમ્બરગ્રીસ હોવાનું જણાવ્યું
અમરેલી એલસીબી પીઆઈ વિજય કોલાદરાએ જણાવ્યું હતું કે, એમ્બરગ્રીસનો જથ્થો છે કે નહી તે સાબિત કરવા માટે પોલીસે વન અધિકારી, વેટરનીટી ડોકટર અને એફએસએલના અધિકારીઓને બોલાવ્યા હતા. જેમણે આ જથ્થો વ્હેલ માછલીની ઉલટી(એમ્બરગ્રીસ) હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

 

બંને ઈસમો અમરેલીમાં ડિલીવરી માટે આવ્યા હતા?
અમરેલી એલસીબીએ ટેકનીકલ સોર્સ અને બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં બે ઈસમોને ઝડપી લીધા હતા. જા કે પોલીસ તપાસમાં આ આરોપીઓ પાસેથી વ્હેલ માછલીની કરોડો રૂપિયાની કિંમતની ઉલટી મળી આવી હતી અને આ આરોપીઓ તળાજા તાલુકાના જુના રાજપરા ગામના હોવાનું જણાવ્યુ હતું અને માછીમારી દરમિયાન વ્હેલ માછલીની ઉલટી મળી હતી તેમ પોલીસને જણાવ્યું હતું ત્યારે આરોપીઓ આ ઉલટી અમરેલીમાં કોઈને આપવા માટે આવ્યા હતા કે કેમ? તે હવે વન અધિકારી દ્વારા તપાસ થયા બાદ ખુલાસો થશે.

 

વ્હેલ માછલીની ઉલટી પાણીમાં તરતી હોય છે
જાણવા મળતી માહિતી મુજબ અધિકારીઓએ તપાસ કરતા આ જથ્થાને સળગાવતા આ ઉલટી પ્રવાહી થઈ જાય છે અને જયારે ઠંડી પડે ત્યારે ફરી ઘન સ્વરૂપે ફેરવાઈ જાય છે. આ ઉલટી પાણીમાં પથ્થરની જેમ તરતી હોય છે. આ ઉલટીની કિંમત બજારમાં કરોડોની થાય છે.