ચોમાસાની શરૂઆતમાં જ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ૨૪ કલાકમાં સાવરકુંડલામાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલામાં ૭.૪ ઈંચ, અમરેલીમાં ૬.૮ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લીલીયામાં ૬.૭ ઈંચ, બાબરામાં ૪., લાઠીમાં ૩.૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામે ગઈકાલે ફસાયેલા પાંચ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘોબાથી ઠાસા જવાના રસ્તે આવેલ એક ખેતરમાં પાંચ ખેત મજૂરો ગઈકાલે ફસાયા હતા. NDRFની ટીમે ત્રણ મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મામલતદાર, અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અમરેલીના ઠેબી ડેમના ૨ દરવાજા ખોલાયા હતા. ઠેબી ડેમના ૨ દરવાજા ૬૦ મીટર ખોલાયા હતા. માંગવાપાળ, વરુડી, ચપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ કરાયા હતા. ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી કલેક્ટરે માહિતી આપી હતી. કલેક્ટરે કહ્યું હતું કે બે-ત્રણ જગ્યા પર ફસાયેલા લોકોનું રેશક્યું કરાયુ છે. સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોને બચાવાયા હતા. પીપાવાવ ધામમાં ફસાયેલા ૨૪ લોકોને બચાવાયા હતા.
અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. કારમાં સવાર ૩ લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું હતું. બે પુરુષ અને ૧ બાળકને બચાવાયા હતા. બાબરાથી રાજકોટ જતી વેળાએ કારમાં ફસાયા હતા.
ભાવનગરના પાલિતાણાના રજાવડ નદીમાં કાર તણાયાનો વીડિયો વાયરલ થયો છે. સોમવારના વરસેલા ભારે વરસાદમાં પાણીમાં કાર તણાઈ હતી. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. પાણીના તેજ પ્રવાહમાં કાર કાગળની બોટની જેમ તણાઈ હતી. સોમવારે સાંજે ૬ વાગ્યાના અરસામાં કાર પાણીમાં તણાઈ હતી. ૧૨ ઈંચ વરસાદમાં પાલિતાણા તાલુકાની નદીઓમાં પૂર આવ્યુ હતું. બોટાદમાં કાર તણાઈ જતા ૩ લોકોના મોત થયા છે. સાંગાવદર ગામ પાસે કાર તણાઈ જવાની ઘટના બની હતી. ત્રણના મૃતદેહ મળ્યા હતા. હજુ ચાર લોકો લાપતા છે. કારમાં કુલ નવ લોકો સવાર હતા. મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે ઘટના બની હતી.