અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સાજીયાવાદર ગામના બસ સ્ટેન્ડ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી બોલેરો પીકઅપના ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.દિનેશભાઇ બચુભાઇ પરમાર (ઉ.વ. ૪૫) એ બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. તેઓ પોતાની મોટરસાયકલ લઈને સાજીયાવાદર ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા, તે દરમિયાન આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી લાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દિનેશભાઇ નીચે પટકાતા તેમનું બાઇક તેમના જમણા પગ પર પડ્‌યું હતું. આ અકસ્માતમાં તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. ડામોર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.