અમરેલીના સરદારનગરમાં છેલ્લાં ઘણા દિવસોથી પીવાનું પાણી ગંધાતુ આવતુ હોવાથી આ વિસ્તારના લોકો પીવાના પાણીને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે સરદારનગરના રહીશોએ જણાવ્યુ હતું કે, પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતુ પીવાનું પાણી શરૂઆતની ૧પ થી ર૦ મિનિટ સુધી ખુબજ દુર્ગંધયુકત આવી રહ્યું છે. જેથી ના છુટકે આ પાણીને ફેંકી દેવુ પડે છે અને વારંવાર ચોખ્ખુ પાણી આવ્યુ કે નહી તે તપાસવુ પડે છે. પીવાના પાણીની પાઈપલાઈન ગટર સાથે ભેગી થઈ ગઈ હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. સરદારનગરના વિસ્તારના લોકોને ગંધાતા પાણીને કારણે રોગચાળો ફાટી નિકળે તે પહેલા આ વિસ્તારમાં શુધ્ધ પાણી મળી રહે તેવી રહીશોએ માંગ કરી છે.