રાજયના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અદ્યતન શાળા ખુલ્લી મુકવામાં આવી
અમરેલી જિલ્લાના શેડુભાર મુકામે શિક્ષણના ક્ષેત્રમાં એક નવું અને આધુનિક સોપાન ઉમેરાયું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અંદાજે ૧.૨૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેણે કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો. આ નવું બિલ્ડિંગ માત્ર ઇંટો અને પથ્થરોનું માળખું નથી પરંતુ ગ્રામીણ વિસ્તારના બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની ઇમારત છે. જેમાં દિવ્યાંગ બાળકો માટે ખાસ શૌચાલયની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, આધુનિક કોમ્પ્યુટર લેબ અને મધ્યાહન ભોજન માટે અલગ શેડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે ખરા અર્થમાં ખાનગી શાળાઓની સમકક્ષ છે.ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના બદલાતા સ્વરૂપ પર ભાર મૂક્યો હતો. તેમણે ભૂતકાળની શિક્ષણ સુવિધાઓની સરખામણી વર્તમાન સમય સાથે કરતા જણાવ્યું કે આજે રાજ્યના ખૂણેખૂણે શાળાઓના નવા બિલ્ડિંગો આકાર પામી રહ્યા છે. સરકારે માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં પરંતુ શિક્ષણની ગુણવત્તા પર પણ પૂરતું ધ્યાન આપ્યું છે. આ તકે તેમણે સરકારની ખેડૂતલક્ષી અભિગમની પણ યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોઈ પણ જાતના વિલંબ વિના ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વધુમાં તેમણે શેડુભાર વિસ્તારના આર્થિક વિકાસ માટે નજીકમાં નવી જી.આઈ.ડી.સી. સ્થાપવાની આશા વ્યક્ત કરી હતી જે સ્થાનિક રોજગારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સાંસદ ભરતભાઈ સુતરિયાએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે અગાઉના સમયમાં શાળાઓમાં ઓસરીમાં બેસીને અભ્યાસ કરવો પડતો હતો જ્યારે આજે બાળકો માટે તમામ સુવિધાઓથી સજ્જ ભવ્ય ઇમારતો ઉપલબ્ધ છે. તેમણે અમરેલી જિલ્લામાં થઈ રહેલા સતત વિકાસકાર્યો બદલ રાજ્ય સરકાર અને મંત્રીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર સહિત અન્ય સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ ગામના સરપંચો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ નવી સુવિધાને આવકારી હતી અને બાળકોના શિક્ષણ પ્રત્યે નવી ઉર્જા સાથે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.







































