અમરેલીના એસ.એચ.ગજેરા કેમ્પસના સ્પોટ્ર્સ સ્કૂલના વિદ્યાર્થી રાજપરા આકાશે દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ડો.કરણી સિંગ શૂટિંગ રેન્જ ખાતે ૩૦ ડિસેમ્બરે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના રમતવીરોએ ભાગ લીધો હતો. રાજપરા આકાશે ૧૦ મીટર એર પિસ્તોલ સબ-યુથ મેન કેટેગરીમાં ૬૦૦માંથી ૫૪૭ પોઇન્ટ મેળવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ સાથે તે ટીમ ઇન્ડિયા સિલેક્શન ટ્રાયલ માટે ક્વોલિફાય થયો છે. શાંતાબેન હરિભાઈ ગજેરા જિલ્લા કક્ષા સ્પોટ્ર્સ સ્કૂલના આ ખેલાડીની સફળતા પાછળ કોચ પૂલકિતાબેન નિમ્બાવાલ અને ટ્રેનર સાવનભાઈ દેસાઈનું માર્ગદર્શન રહ્યું છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિત સમગ્ર સંસ્થા પરિવારે આ સિદ્ધિ બદલ ખેલાડી અને તેના કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.