અમરેલીના ડો.મિહિર ચંદ્રકાંત ત્રિવેદીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ વડોદરા જિલ્લાના પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ HTAT આચાર્ય તરીકેની તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો છે. એવોર્ડ મળ્યા પછી ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ તેમના માતા-પિતા, સદગુરુ અને વડીલોના આશીર્વાદથી ખૂબ જ ખુશ છે. તેમણે આ એવોર્ડ તેમના વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો, જેમના થકી તેમનું અસ્તિત્વ છે. ડો. મિહિર ત્રિવેદી અમરેલીના જાણીતા ગુજરાતી શિક્ષક સ્વર્ગીય સી. એન. ત્રિવેદીના પુત્ર છે. તેમણે શિક્ષણમાં પીએચડી કર્યું છે અને વડોદરામાં તેમની પ્રયોગશીલ શિક્ષણ પદ્ધતિ અને
‘રમતા રમતા શિક્ષણ’ માટે જાણીતા છે. કોમર્સમાં સ્નાતક હોવા છતાં, તેમણે વડોદરા શહેરની ઉચ્ચ પ્રાથમિક શાળાને એક મોડેલ શાળા બનાવી છે. અમરેલીના આ પનોતા પુત્રને તેમના શિક્ષણ ક્ષેત્રે કરેલા યોગદાન બદલ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.