અમરેલી તાલુકાના વાંકિયા ગામે અલ્પેશભાઈ સાવલિયાની વાડીમાં આવેલ ઓરડામાંથી રેખાબેન મોહનિયા (ઉં.વ. ૨૦) નામની પરપ્રાંતીય યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. રેખાબેન અને તેમના પતિ સંજય મોહનિયા ભાગીયું રાખીને કામ કરતા હતા અને પરિવાર સાથે આ જ ઓરડામાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં યુવતીના શરીર પર ગળા, ઘૂંટણ અને કોણીના ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા, પારિવારીક ઝગડામાં હત્યા થઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવતીના મૃત્યુનું કારણ હત્યા છે કે અન્ય કોઈ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.










































