અમરેલીના ‘વતનના રતન’ સમાન વસંતભાઈ ગજેરા દ્વારા પોતાના વતનમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ થકી હજારો પરિવારોને લાભ મળી રહ્યો છે. તાજેતરમાં જ તેમણે બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓ માટે રૂ. ૫ લાખનું અનુદાન જાહેર કર્યું છે. સાથે જ દિવાળી પર કરેલી જાહેરાત મુજબ અમરેલીમાં અનાથ અને નિરાધાર બાળકો માટે ‘વાત્સલ્ય ધામ’ના નિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વસંતભાઈએ ૧૯૯૭માં દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૮૦,૦૦૦ જેટલી બહેનોએ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હજારો હાલ અભ્યાસ કરી રહી છે. ૨૦૦૭થી અમરેલી વિદ્યાસભા-ગજેરા કેમ્પસનું સુકાન સંભાળ્યા બાદ ૩૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અહીંથી અભ્યાસ કરી સફળ કારકિર્દી બનાવી છે. સંસ્થા જિલ્લા કક્ષાની સ્પોટ્ર્સ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, ૧૫૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અહીં વિવિધ યોજનાઓ અંતર્ગત નિઃશુલ્ક અભ્યાસનો લાભ મેળવી રહ્યા છે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરલ ઘટના છે. આરોગ્ય ક્ષેત્રે પણ વસંતભાઈએ અમરેલી જિલ્લાની જનરલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું સફળ સંચાલન કરી કાયાપલટ કરી છે. તેમણે હોસ્પિટલમાં અદ્યતન બિલ્ડિંગો બનાવી છે અને અતિ આધુનિક સાધનો વસાવ્યા છે, જેથી અમરેલીના લોકોને સારવાર માટે બહારગામ જવું ન પડે. તેમના આ ભગીરથ પ્રયાસોને કારણે જ આજે અમરેલીમાં સ્મ્મ્જી કોલેજ શક્ય બની છે, જ્યાં હજારો ભવિષ્યના ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. વસંતભાઈનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને માત્ર મદદ કરવી નહીં, પણ તેમને એટલા સક્ષમ બનાવવા છે કે બીજીવાર ક્યારેય હાથ ફેલાવવો ન પડે. આ જ ઉદ્દેશ્ય સાથે સુરતની જેમ હવે અમરેલીમાં પણ કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ‘વાત્સલ્ય ધામ’ આકાર લઈ રહ્યું છે. અહીં અનાથ બાળકોને રોજગાર મળે ત્યાં સુધી આશ્રય, શિક્ષણ, ઘડતર અને પરિવારનો પ્રેમ પૂરો પાડવામાં આવશે.








































