અમરેલીના સાવરકુંડલા સંકુલ સર્કલથી લઈ કેરીયા રોડ રોડ બાયપાસ કોન સર્કલ સુધીમાં આવેલા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગની મોટી વસતી રહેલી છે અને આ વિસ્તારને ઓજી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જા કે, આ વિસ્તારના લોકો પણ અન્ય લોકોની જેમ તમામ પ્રકારના વેરા અને લાઈટ બીલ સહિતના તમામ કર ભરે છે. અહીં રોડની બંને બાજુ આવેલી સ્ટ્રીટલાઈટ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ વિસ્તારમાં લીલીયા રોડ બાયપાસ શ્યામ સર્કલથી લઈ કેરીયા રોડ સુધીની તો બધી જ લાઈટ બંધ હાલતમાં છે. ચોમાસાની ઋતુ છે અને આ મુખ્ય માર્ગ છે આ માર્ગ રાજકોટ અને ભાવનગર જવા માટેનો મુખ્ય રસ્તો હોય ખુબ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. ઉપરાંત આ રોડ પરથી શૈક્ષણિક સંસ્થાના પણ અનેક વાહન પસાર થતા હોય છે. રાત્રે આ રસ્તા પરની લાઈટો બંધ હોવાથી મોટા અકસ્માત થવાની સંભાવના રહેલી છે માર્ગ પર બેઠેલ રેઢિયાળ પશુઓના કારણે અહીં અનેક વાર અકસ્માત થઈ પણ ચુકયા છે. અખબારી અહેવાલ પ્રકાશિત થાય અને રજૂઆત કરવામાં આવે તો એક કે બે દિવસ પુરતી આ લાઈટ ચાલુ થઈ જાય છે પછી પરિસ્થિતિ જૈસે થે બની જાય છે. આ લાઈટો માટે પાલિકા સમયસર વેરો વસુલવાનુ ચુકતી નથી પરંતુ સુવિધાના નામે મીંડુ છે. ઉપરાંત અહીં રોકડિયા પરા વિસ્તારમાં રહેતા રહીશો જણાવે છે કે, પાલિકા દ્વારા સફાઈ કર વસુલવામાં આવે છે, પરંતુ અહી કોઈ સફાઈ કર્મચારી આવતા નથી કે અહીં કોઈ કચરાપેટીની વ્યવસ્થા નથી કે પાલિકાનું કોઈ વાહન અહીં કચરો એકત્ર કરવા આવતુ નથી. જેથી આજુબાજુના નાળામાં અને બાજુમા આવેલ તળાવમાં લોકો ગંદકી અને કચરો ફેંકી જતા હોય રોગચાળો ફેલાવાની ભીતિ છે. લોકો છુપી રીતે મરેલા પશુ અને કચરો પણ અહીં તળાવમાં ફેકીને જતા રહે છે. જેના લીધે દુર્ગંધના કારણે પણ ભારે પરેશાની વેઠવી પડે છે. અહીં છેલ્લા છ મહિના જેવો સમય થવા આવ્યો દુષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.
તો શું આ વિસ્તારના લોકો દેશના કે અમરેલી શહેરના નાગરિક નથી અને કેવળ ચૂંટણી વખતે મત મેળવવા માટે જ ગણતરીમાં લેવામાં આવે છે? તેવા સવાલ અહીંના જાગૃત નાગરિકો પુછી રહ્યા છે.