બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે પાણી પુરવઠા વિભાગના હેડ વર્ક ખાતે ચાલતા કામ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી હતી. ગત તારીખ ૨૭/૧૦/૨૦૨૫ ની રાત્રે આશરે ૮ઃ૦૦ વાગ્યાથી ૨૮/૧૦/૨૦૨૫ ના સવારના ૯ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અજાણ્યા ચોર ઈસમો કોટડાપીઠા ગામના પાણી પુરવઠા વિભાગના પાણીના સમ્પની દીવાલ કૂદીને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યા હતા. અહીં દિવ્ય એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું હેડ વર્કનું કામ ચાલી રહ્યું હતું. ચોર ટોળકીએ સિમેન્ટના ફાઉન્ડેશન પર રાખેલા કોકીલા ઇલેક્ટ્રિકલ્સ કંપનીના ૨૫૦ કિલોવોટના ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યું હતું. ટ્રાન્સફોર્મરમાંથી આશરે ૨૦૦ કિલો વજનનો કોપરનો વાયર તથા કોપરની પ્લેટ કાઢી લેવામાં આવી હતી. ચોરી થયેલ કોપરની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. ૪૫૩/- રૂપિયા લેખે ગણવામાં આવે તો, કુલ રૂ. ૯૦,૬૦૦/- ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એેએસઆઈ જયદેવસિંહ ચંદુભા સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.
આભાર – નિહારીકા રવિયા