અમરેલીના લાપાળીયા ગામે રહેતા યુવકે વ્યાજે લીધેલા પૈસા મુદ્દે વ્યાજખોરોએ તેમના પિતાને જાનથી મારવાની ધમકી આપી હતી. પિતાએ વ્યાજના પૈસા ચૂકવવા માટે ખેતીની જમીન પર લોન પણ લેવડાવી હતી. તેમજ વ્યાજખોરોએ ૮૦૦ મણ કપાસ પણ લઈ લીધો હતો અને બાનાખત કરાવી લીધું હતું. આ બનાવ અંગે કનુભાઈ જાદવભાઈ લુણાગરીયા (ઉ.વ.૬૯)એ જસદણના વાજસુરપુરાના રહેવાસી અને વ્યાજ વટાવનો ધંધો કરતાં બાબુભાઈ પરશોત્તમભાઈ તેરૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી પાસેથી આજથી ચારેક વર્ષ પહેલા તેમના મોટા દીકરા શૈલેષભાઇ કનુભાઇ લુણાગરીયાએ ૩,૦૦,૦૦૦ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. તેના પર ૩૦ ટકા ચક્રવૃધ્ધિ વ્યાજ લગાવીને શૈલેષભાઇ પાસે રૂ.૧૨,૦૦,૦૦૦ વ્યાજ સાથે માંગ્યા હતા. જો આ રકમ ફરિયાદી અને તેમના દીકરા આરોપીને ૧૦ દિવસમાં ન ચુકવી આપે, તો તેમના દીકરા તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, શારીરિક માનસિક ત્રાસ આપતા તેમણે એસ.બી.આઇ બેંકમાંથી તેમની માલિકીની જમીન પર લોન લઇને રૂ.૧૨,૦૦,૦૦૦ પરાણે કઢાવી લીધા હતા. તેમ છતાં આરોપી ફરિયાદી અને તેના દીકરા પાસે મુદ્દલ અને વ્યાજ સહિત રૂ.૧૦,૦૦,૦૦૦ ની માંગણી કરતા હતા. તેઓ આ રકમ ચુકવી શકે તેમ ન હોવાથી તેમની મરણ મૂડી અને જીવન નિર્વાહનાં સાધન સમાન ૦૯ વિઘા જમીનનું રજીસ્ટર બાનાખત કરી આપવા દબાણ કર્યું હતું. ઉપરાંત જો આ બાનાખત ન કરી આપીએ તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ આરોપીએ તેમની ૦૯ વિઘા જમીનનું અગાઉથી લખીને તૈયાર કરી લઇ આવેલા બાનાખતમાં રજીસ્ટ્રાર ઓફિસમાં પરાણે સહી કરાવી લીધી હતી. તેમ છતાં આરોપી તેમને અને તેના દીકરા પાસે આજીવન વ્યાજની માંગણી કરતા હતા. તેઓ આ વ્યાજની રકમ ભરી શકે તેમ નહોતા. આરોપીએ તેમની રજા વગર તેમના ઘરમાં ગેરકાદેસર ઘૂસીને ઘરમાં રાખેલો બે વર્ષનો કુલ-૮૦૦ મણ કપાસ, અંદાજે કિં.રૂ.૧૧,૨૦,૦૦૦ પરાણે બળજબરીથી, ધમકીઓ આપી કઢાવી લઇ જઇ વેચી નાખ્યો હતો. ઉપરાંત રૂ.૧૨,૦૦૦માં ખેતીના સાધનો ભંગારમાં વેચી નાખી વિશ્વાસધાત કરી, તેમાંથી આવેલ તમામ રકમ પણ આરોપીએ પોતાના ઉપયોગમાં લઇ લીધી હતી. તેમ છતાં વધુ વ્યાજ માંગતા ફરિયાદીએ આપવાની ના પાડી હતી. તેમની લાપાળીયા ગામે આવેલ ૦૯ વિઘા જમીનમાં બે વર્ષથી તેમની મંજૂરી વગર ગેરકાયદે પ્રવેશ કરી આ જમીનની બજાર કિં.રૂ.૪૦,૦૦,૦૦૦ તે રૂ.૧૧,૦૦,૦૦૦ના બાનાખતનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.