અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસે આકરાં પગલાં લેતાં એક ખેડૂતને તેની પચાવી પાડેલી જમીન પાછી મળી છે. લાપાળિયા ગામના ખેડૂત કનુભાઈ જાદવભાઈ લુણાગરીયાની ૯ વિઘા જમીન વ્યાજખોરે બળજબરીથી પડાવી લીધી હતી, જે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની કડક કામગીરીને કારણે પરત મળી છે. લાપાળીયા ગામના ખેડૂત કનુભાઈના પુત્ર શૈલેશે ચાર વર્ષ પહેલાં રૂ.૩ લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોર બાબુ તૈરૈયા માસિક ૧૦%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દરે વ્યાજ વસૂલતો હતો અને રૂ.૧૨ લાખની ઉઘરાણી કરી રહ્યો હતો. આ વ્યાજખોરે ધાકધમકી આપીને કનુભાઈની રૂ.૪૦ લાખની ૯ વિઘા જમીન બળજબરીથી માત્ર રૂ.૧૧ લાખમાં બાનાખાત કરાવી પચાવી પાડી હતી. છેલ્લા બે વર્ષથી આ જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ખેતી પણ કરાઈ રહી હતી. કનુભાઈ લુણાગરીયાએ ૮ મે, ૨૦૨૫ના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાબુ તૈરૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એસપી સંજય ખરાતે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી, જેના પગલે પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી હકીકત જાણી હતી. પોલીસે ગુનો નોંધી, આરોપી સાથે વાતચીત કરી અને જમીન પરત આપવા માટે સમજૂતી કરાવી હતી. આ પ્રક્રિયામાં બાનાખાત રદ કરાવી, કોર્ટમાં કરાયેલો દાવો પરત ખેંચી અને જમીનનો કબજો કનુભાઈને સોંપવામાં આવ્યો હતો. જમીન પરત મળતા કનુભાઈએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પોલીસ વડાની અનુકરણીય કામગીરી
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી વ્યાજના દુષણને ડામવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં પોલીસે વ્યાજખોરો પાસેથી વડીયા પંથકમાં ૯ વિદ્યા જમીન પરત અપાવી હતી. ધારીના ઝર ગામે પણ વ્યાજખોરોએ પચાવી પાડેલ જમીન પરત અપાવી હતી તો નાગેશ્રીમાં પણ વ્યાજખોરોએ મકાન પચાવી પાડેલ હતું. મકાન ન હોવાથી મકાન માલિક રાજકોટ રહેવા જતા રહ્યાં હતા તે મકાન પણ પોલીસે પરત અપાવ્યું હતું.