અમરેલીના લાપાળિયા ગામમાં રૂ.૧.પ૦ કરોડના ખર્ચે ભવ્ય રામજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સતત ત્રણ દિવસ સુધી ગામ ધુમાડાબંધનું આયોજન કરાયું છે અને અનેકવિધ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે માટે તડામાર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમરેલીના લાપાળીયા ગામે ર૦રરમાં યોજાયેલી ધર્મસભામાં મોરારીબાપુએ ગામના જૂના રામજી મંદિરને જાઈને નવા મંદિરના નિર્માણ માટેની અપીલ કરી હતી અને પોતાના તરફથી રૂ.૧.પ૦ લાખના દાનની પણ જાહેરાત કરી હતી. આ પછી સમસ્ત ગામ દ્વારા અને સુરત, અમદાવાદ સહિતના વિસ્તારમાં વસેલા ગામના દાતાઓના સહયોગથી રૂ.દોઢ કરોડના ખર્ચે અદ્યતન રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન રામ પરિવારની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે આગામી તા.ર૯, ૩૦ એપ્રિલ અને ૧ મેના ત્રણ દિવસના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાવામાં આવ્યું છે. લાપાળિયા ગામમાં ૩૦મીએ ભવ્ય લોકડાયરાનું આયોજન રાતે ૯ઃ૩૦ કલાકથી કરાયું છે. જેમાં માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, પુરષોત્તમ પૂરી બાપુ, દિપકબાપુ હરિયાણી, સાગરબાપુ વિનુબાપુ અગ્રાવત વગેરે ઉપસ્થિત રહેશે.










































