અમરેલીના લાપાળિયામાં છેલ્લા એક મહિનાથી મોબાઈલ ટાવર અઠવાડિયામાં પાંચ દિવસ બંધ થઈ જતો હોવાના કારણે લોકોના દૈનિક કાર્યો પણ ખોરંભે ચડી ગયા છે. મોબાઈલમાં વાત કરવી હોય તો પણ લોકોને ગામની બહાર સુધી જવું પડે છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.અમરેલીના લાપાળિયામાં ભારતીય સંચાર નિગમને પૂર્વ સાંસદે પણ અનેક વખત રજૂઆત કરી હતી તેમ છતા પણ મોબાઈલ ટાવર નાખવામાં આવતો નથી. જ્યારે એકમાત્ર જીઓ કંપની દ્વારા અહીં લોકોની સુવિધા માટે મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવેલો છે જેના કારણે ગામના મોટા ભાગના લોકો દ્વારા તેના સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ટાવર છાશવારે બંધ થઈ જાય છે અને પછી ઘણા દિવસો સુધી બંધ રહે છે અને ચાલુ થયાના એક બે દિવસમાં જ ફરીથી બંધ થઈ જાય છે. જેના કારણે લોકો પોતાના ઘરમાં કે શેરીમાં મોબાઈલ ફોન દ્વારા યોગ્ય રીતે વાત પણ કરી શકતા નથી અને દૈનિક જીવન રુંધાઈ જવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામની બહાર અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાં મોબાઈલનું નેટવર્ક આવે છે. છેક ત્યાં સુધી લોકોને વાત કરવા માટે જવું પડે છે. આ ઉપરંંત ઈન્ટરનેટનો પણ યોગ્ય રીતે ઉપયોગ થઈ શકતો ન હોવાના લીધે અનેક પ્રકારના દૈનિક કાર્યો રુંધાઈ ગયા છે. જો તાત્કાલીક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સામૂહિક રીતે સીમ કાર્ડ પોર્ટ કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.