અમરેલી જિલ્લામાં તંત્રની મીઠી નજર નીચે બેરોકટોક રેતીચોરી થઈ રહી છે. જો કે રેતીચોરી કરનારાઓને ખાણ-ખનીજ વિભાગના ચાર હાથ માથે હોવાથી આખુ કૌભાંડ આચરવામાં આવતુ હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં હતા. જો કે હવે આવા તત્વોને તંત્ર છાવરતું હોય ત્યારે અમુક લોકોએ હવે ખાણ-ખનીજના કર્મચારી પર હુમલો કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમરેલીના રાજસ્થળી નજીક ખાણખનીજ વિભાગના કર્મચારીએ રેતીનું એક ડમ્પર અટકાવી તપાસ કરતા કેટલાક લોકોએ ઘટનાસ્થળે આવી મારામારી કરતા કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલી ખાણખનીજ વિભાગમાં નોકરી કરતા મુકેશ જોશીએ આજે સવારના સમયે રાજસ્થળી નજીકથી પસાર થતા રેતી ભરેલા ડમ્પરને રોકી તપાસ હાથ ધરી હતી. જેથી કેટલાક લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મુકેશ જોશી સાથે મારામારી કરી મોબાઈલ તોડી નાખ્યો હતો. મુકેશ જોશીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ખેડૂતોની ફરિયાદ ધ્યાને લેવાતી નથી
જિલ્લામાં શેત્રુંજી નદી આવેલી હોય ત્યારે નદી પાસેથી ખેડૂતોને જવાનો રસ્તો હોવાથી રેતમાફિયાઓ બેફામ રેતીચોરી કરી ડમ્પર ચલાવી મસમોટા ખાડાઓ પાડી દેતા હોય ત્યારે ખેડૂતોએ ખાણ-ખનીજ વિભાગને અનેકવાર ફરિયાદો કરી હતી પરંતુ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આવા તત્વોને છાવરતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આમ, રેતમાફિયાઓને પ્રોત્સાહન દેનાર ખાણ-ખનીજના કર્મચારી પર જ હુમલો કરવામાં
આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.