અમરેલી નગરપાલિકા છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલા સરકારી આવાસ તેમજ અન્ય વિસ્તારમાં પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે દર વર્ષે વેરો આપવામાં આવતો હોવાથી રહીશો રોષે ભરાયા હતા અને પાલિકાએ ધસી જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. અમરેલી નગરપાલિકામાં સફાઈ કામદારોના પ્રશ્નોનું હજુ નિરાકરણ આવ્યું નથી ત્યાં હવે શહેરના છેવાડે આવેલા સાવરકુંડલા બાયપાસ પાસે આવેલા સરકારી આવાસમાં રહીશોને નગરપાલિકા દ્વારા દર વર્ષે વેરો ફટકારવામાં આવે છે. જા કે આ વિસ્તારમાં રહીશોને કોઈ પ્રાથમિક સુવિધા મળતી નથી. જેથી રહીશો પ્રાથમિક સુવિધાની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે ધસી ગયા હતા અને ‘નગરપાલિકા હાય-હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, પાલિકા દર વર્ષે વેરા પહોંચ આપે છે પરંતુ સરકારી આવાસમાં પીવાના પાણી, સીસીરોડ, સ્ટ્રીટલાઈટ, ભૂગર્ભ ગટર સહિતની કોઈ સુવિધાઓ મળતી નથી. વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. બાળકો-વૃધ્ધોને અકસ્માતનો ભય સતાવે છે. પીવાના પાણી માટે ટાંકા મંગાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આમ, પ્રાથમિક સુવિધા માટે રહીશોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો અને જા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહી આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.