અમરેલીના માળીલા ગામનો ધોરણ ૬માં અભ્યાસ કરતો જશ પાનસુરિયા શાળામાં ઉત્સાહવિહીન અને ગુમસૂમ રહેતો હતો. કારણ હતું, કન્જેનાઈટલ હાર્ટ ડિસીઝ. તેને સરળ ભાષામાં કહીએ તો જન્મજાત હૃદયમાં ખામી. જેમાં હૃદયમાં આવેલી બે ચેમ્બર વચ્ચેની દીવાલમાં કાણું હોય છે. આ ગંભીર બીમારીમાંથી જશને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે ઉગાર્યો છે. આ યોજના હેઠળ લાભાર્થી બાળકને નિઃશુલ્ક સારવાર મળવાથી તે બીમારી મુક્ત થાય તે ઉદ્દેશ્ય હતો. ૧૧ વર્ષના જશની અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી થયાના આજે છ-સાત મહિના વીત્યા છે, જશમાં એક નવી ઉર્જા અને સ્ફૂર્તિ જોવા મળે છે. જે ગુમસૂમ રહેતો હતો, તેની જગ્યાએ તે હવે ઉત્સાહિત રહે છે, રમતો રહે છે. તેઓ કહે છે કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જશને આ ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સામાન્ય રીતે આ બીમારીની સારવાર કે ઓપરેશન માટે રુ.૨ થી રુ.૨.૫૦ લાખનો ખર્ચ થતો હોય છે. પરંતુ આરબીએસકે યોજનાના પરિણામે આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થયું છે.