અમરેલીના યુથ આઈકોન અને “વતનના રતન” તરીકે જાણીતા વસંતભાઈ ગજેરાનો જન્મદિવસ તાજેતરમાં ઉજવાયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અને માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કરી શકનાર વસંતભાઈએ ૧૭ વર્ષની વયે સુરતમાં હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમની મહેનત અને સૂઝબૂઝથી આજે તેઓ ૧૫થી વધુ દેશોમાં બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા “ડાયમંડ કિંગ“ તરીકે ઓળખાય છે. વસંતભાઈએ વતનમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે દીકરીઓના શિક્ષણ માટે પટેલ સંકુલની સ્થાપના કરી, અને ડો. જીવરાજ મહેતાના “વિધાસભા” ના સ્વપ્નને સાકાર કરતા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસનું નિર્માણ કર્યું. આ ઉપરાંત, તેમણે અમરેલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલનું સુકાન સંભાળી આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવી. નિરાધાર બાળકો માટે ૨૦૦૫માં વાત્સલ્ય ધામની રચના કરી, અને ૧,૦૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમરેલીની જનતાએ તેમને સુવર્ણ તુલા અને રક્ત તુલાથી સન્માનિત કરી “વતનના રતન” નું બિરુદ આપ્યું છે.









































