અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયાએ અમરેલી તાલુકાના પ્રતાપપરા, માળીલા, સોનારીયા, શંભુપરા ગામના ખેડૂતોને ઓક્ટોબર ૨૦૨૪ વર્ષમાં અતિવૃષ્ટિથી થયેલ પાક ધોવાણ નુકસાનના વળતરમાં થયેલ અન્યાય દુર કરવા માગણી કરી છે. આ અંગે તેમણે ઉચ્ચ સ્તરે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રતાપપરા ગામને લાગેવળગે ત્યાં સુધી તેની આસપાસના ગામો અમરપુર, વરૂડી, નાના આકડિયા, સાંગાડેરી, અને અમરેલીની મધ્યમાં પ્રતાપપરા ગામ આવતું હોય અને એક બીજા ગામોના સીમાડા અડોઅડ લાગીને આવેલ હોય આ બધા ગામોનું કુદરતી પાણી પણ પ્રતાપપરા ગામની સીમમાંથી જ પસાર થઇને ઠેબી ડેમમાં જતું હોય તેવા સંજોગોમાં સૌથી વધારે નુકસાન પ્રતાપપરા ગામના ખેડૂતોને થયેલ હોય તે સિવાયના ઉપરોક્ત પૈકીના ગામો ખારાપાટ વિસ્તારમાં આવતા હોય તે ગામોને અડીને આવેલ ગામોને પાક ધોવાણ નુકસાનીનું વળતર મળેલ છે અને તેના નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી આવવાથી વધારે નુકસાન થયેલ છે તેમ છતાં ઉપરોક્ત ગામોને ઓક્ટોબર ૨૦૨૪ વર્ષના પાક ધોવાણ નુકસાન સહાયમાંથી બાકાત રાખેલ છે. જે અંગે જે તે સમયે થયેલા સર્વેમાં ક્ષતિ અથવા તો બેદરકારી કે કિન્નાખોરી દાખવવામાં આવેલ હોય જેથી તેની ફેર તપાસ કરી અને જે તે એજન્સી કે અધિકારી દ્વારા ભૂલ કરેલ હોય તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ. તેમ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ માંગ કરી છે.







































