અમરેલી તાલુકાના ફતેપુર રોડ પર નગરપાલિકા અને અન્ય તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતા કચરાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે આપ દ્વારા કલેક્ટર અને ચીફ ઓફીસરને રજૂઆત કરાઈ છે. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ઝેરી વાતાવરણ સર્જાયું છે, જેનાથી જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું છે. રોડ પર ભરાતા ગટરના પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભય વધી રહ્યો છે.ખાસ કરીને, આસ્થાના કેન્દ્ર એવા ભોજલરામ બાપાના મંદિર ખાતે ટૂંક સમયમાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે તંત્રની નિષ્ક્રિયતા અત્યંત નિંદનીય છે. ‘આપ’ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ ગેરકાયદેસર કચરાના ઢગલા તાત્કાલિક દૂર કરવામાં આવે, જો આ ગંદકી દૂર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.




































