અમરેલીના ફતેપુર (ભોજલધામ) ખાતે ૨૪મી મે, ૨૦૨૫ના રોજ જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમસ્ત કોળી ઠાકોર સમાજનો ૩૦મો સમૂહલગ્ન મહોત્સવ ભારે ઉત્સાહ અને સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ભવ્ય પ્રસંગે સંતો-મહંતો, દરેક ક્ષેત્રના પ્રતિનિધિઓ, મહિલા અગ્રણીઓ, દાતાઓ તથા સેવાભાવી અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ ગ્રુપ મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્ન સમિતિ તરફથી અને દાતાઓ દ્વારા લગ્નસ્થળે નવદંપતીઓ તથા તેમના પરિવારને કરિયાવર પેટે ૧૨૫ જેટલી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. નિર્ધારિત આયોજન બાદ કુદરતી વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે વરસાદ અને ઝડપી પવનની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે લગ્નસ્થળ બદલવાની ફરજ પડી હતી. જોકે, કુદરતના આશીર્વાદ સમાન અને ગરીબ પરિવારો તેમજ નવદંપતીઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી ગામના ડાબસરા પરિવારના માતાજીના મંદિરે સફળતાપૂર્વક અને વિના વિÎને આયોજન કરવામાં આવ્યું હતું. વળી, ગામના પટેલ સમાજના કાનપરિયા પરિવારના ખોડિયાર માતાજીના મંદિરે પણ વાડી સમાન વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સમૂહલગ્ન કુદરતી પ્રતિકૂળતા છતાં સફળતા અને આનંદપૂર્વક સંપન્ન થયા હતા, તેમ સમિતિના પ્રમુખ ધીરૂભાઈ મકવાણાની યાદીમાં જણાવાયું છે.