ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ અને દૂરદર્શન કિસાન ટીમ દ્વારા શુક્રવારે કૃષિ ચૌપાલ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી હેઠળ દત્તક લેવાયેલા ગામોના પ્રાકૃતિક ખેતી કરતાં ૩૧ જેટલા સફળ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ ડા. સી.કે. ટીંબડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ આપણા પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડતી એક સુસ્થિર ખેતી પદ્ધતિ છે, જે જમીન, પાણી અને માનવ આરોગ્યને સંતુલિત રાખે છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જીવામૃત,
ઘનજીવામૃત, બીજામૃત, સપ્તધાન્યાકુર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, સુંઠાસ્ત્ર બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિશે વિગતવાર વૈજ્ઞાનિક ઢબે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાકનું મહત્વ, સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ અને આચ્છાદન કરવાના ફાયદા જેવા વિષયો પર પણ માર્ગદર્શન આપી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.



































