અમરેલી શહેરમાં પ્રવેશતાની સાથે મસમોટા ખાડાઓ અને ધુળીયા માર્ગો મુસાફરોનુ સ્વાગત કરી રહ્યાં
છે. જેમાં ખાસ કરીને જેસીંગપરાના મુખ્યમાર્ગ પર મસમોટા ખાડાઓ હોવાથી વાહનચાલકો માટે વાહન ચલાવવુ માથાના દુઃખાવારૂપ બની ગયુ છે તો પાણી દરવાજા પાસે રોડ પર કાંકરીઓ દેખાતી હોવાથી માર્ગ ધુળીયો બન્યો છે. અમરેલીમાં પ્રવેશતાની સાથે જ મસમોટા ખાડાઓ મુસાફરોને આવકારી રહ્યાં છે. ઉબડ ખાબડ માર્ગ પરથી પસાર થયા બાદ મુસાફરો પાણી દરવાજા પાસે જ પહોંચતા ધુળની ડમરીઓ પણ મુસાફરોને જાણે વધાવતી હોય તેવુ લાગી રહ્યુ છે. વાહનચાલકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી મુખ્યમાર્ગ બિસ્માર હાલતમાં છે અનેક અધિકારીઓ, નેતાઓ અને આગેવાનો આ માર્ગ પરથી પસાર થાય છે પરંતુ કોઈને પણ લોકોની હાલાકીનો ખ્યાલ આવતો નથી. સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પરથી વિકાસના બણગા ફૂંકનારા આગેવાનોને જમીની હકીકત દેખાતી નથી.લોકો વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે અધિકારીઓ પણ લોકોની મુશ્કેલીનો મૂક તમાશો જાઈ રહ્યાં છે. હાલ દિવાળીનો તહેવાર હોય ત્યારે મુસાફરો અને પ્રવાસીઓનો પ્રવાહ વધુ હોવાથી પ્રવાસીઓમાં પણ તંત્રની આબરૂના ચિંથરેહાલ થઈ રહ્યાં છે