ધારી તાલુકાના મોણવેલ રહેતા મુકેશ વાઘેલાએ આઠેક મહિના પાણીયા ગામની એક યુવતી સાથે મૈત્રી કરાર કર્યો હતો. જે બાબતે યુવતીના પરિવારે યુવકના પરિવાર સાથે જ્ઞાતિના આગેવાનોએ મળી સમાધાન કરવા નાની પીંડાખાઈ ગામે બેઠક યોજી હતી, પરંતુ સમાધાન સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા યુવક-યુવતી મોણવેલ પોતાના ઘરે આવી ગયા હતા. બીજે દિવસે ફરી સમાધાન માટે બંને પક્ષો પીંડાખાઈ ગામે મળ્યા હતા. જ્યાં યુવતીના પિતા સમાધાન સમયે ઉશ્કેરાઈ જતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે યુવકના સગાએ યુવકને ફોન કરીને કહ્યું હતું કે, તું અહીં પીંડાખાઈ ન આવતો તારા પિતાને આ લોકો ધમકાવે છે અને કહ્યું હતું કે તું અને શિલ્પા ત્યાંથી ભાગી જજો. જેને લઈ શિલ્પા મોણવેલથી ચાલી ગયેલ અને ફરિયાદી મુકેશ વાઘેલા વિસાવદર આવ્યો હતો. ત્યારે નાની પીંડાખાઈ પહોંચતા સમાજના આગેવાનનો ફરિયાદીને ફોન આવ્યો કે તારા બાપુજી વલકુભાઈ વાઘેલાને રમેશ ચારોલીયા, મનુ ચારોલીયા, છગન માથાસુરીયા, મગન માથાસુરીયા એક પીકઅપ વાહનમાં અપરણ કરી લઈ ગયા છે. આ મામલે ફરિયાદી મુકેશ વાઘેલાએ સગીર સહિત ૬ ઈસમો પર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે યુવકની ફરિયાદના આધારે વિસાવદર પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં વિસાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આઇ.સુમરા અને તેનો સ્ટાફ બાતમીના આધારે અમરેલી તાલુકાના પાણીયા ગામે પહોંચ્યો હતો. ત્યારે પી.એસ.આઈ. સુમરાએ અમરેલી તાલુકાના પાણીયા ગામ, જાળીયા ગામ, અમરેલી સિટીના સ્લમ વિસ્તારમાંથી આરોપીઓ કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે છગન હરજી પરમાર અને જગદીશ રાજુ વાઘેલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.