દર રવિવારે ચાલતા નિઃશૂલ્ક ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને
અમરેલી,તા.૩૧
રાજય સરકારના શિક્ષણ વિભાગમાંથી શિક્ષક તરીકે
નિવૃત્ત થયા બાદ નિવૃતિના સમયમાં સમાજને શું ઉપયોગી થઈ શકાય તેવા ઉમદા વિચાર સાથે અમરેલીના
નિવૃત્ત શિક્ષકોએ પોતાનો નિવૃત્તિનો સમય સરાહનીય કાર્યમાં ઉપયોગ કરી રહ્યાં છે. અમરેલીના નિવૃત્ત શિક્ષકોએ બાળકોને પાયાનું ગણિત અને ગણિત કયાં સિધ્ધાંતો પર કામ કરે છે તે અંગે બાળકોને સમજાવી તે અભ્યાસમાં ઉપયોગી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમરેલી ‘સંજાગ ન્યૂઝ’ ખાતે એચ.એલ.પટેલ, એસ.કે.પાઠક, પંકજભાઈ રાજયગુરૂ, દ્વારકાદાસ લલાડીયા, નિવૃત્ત શિક્ષકો આવી પહોંચ્યા હતા. જયાં તેમણે હાલ ગણિતની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. નિવૃત્ત શિક્ષકોએ જણાવ્યુ હતું કે, નિવૃત્તિ બાદ પણ બાળકોને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તે માટે નિવૃત્ત શિક્ષકોનું એક ગૃપ બનાવવામાં આવ્યું છે. જેમાં દર રવિવારે ચાર કલાક બાળકો માટે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવે છે. તેમણે હાલની શિક્ષણ પ્રણાલી ઉપર સવાલો ઉઠાવી જણાવ્યું હતું કે, ધો.૧ના બાળકોને પાઠ્યપુસ્તકમાં આંકડા કરતા વધારે ચિત્રો દર્શાવવામાં આવે છે જેના કારણે બાળકનું પાયાનું ગણિત જ નબળુ બને છે. વર્ષો પહેલા માત્ર દેશી હિસાબ ભણેલા વિદ્યાર્થીઓ આજે ગણિતમાં માસ્ટર બન્યા છે જયારે અત્યારના પાઠ્યપુસ્તક મસમોટા બન્યા છે. બાળકોને પાયાનું ગણિત શીખવા મળે તે માટે નિવૃત્ત શિક્ષકો આગામી સમયમાં બુકલેટ બહાર પાડવાનું પણ વિચારી રહ્યાં છે સાથોસાથ વાલીઓના સૂચન માટે મેઈલ આઈડી પણ બનાવવામાં આવ્યું છે અને આગામી સમયમાં વેબસાઈટ પણ બનાવવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોની સાથે ઓક્સફર્ડ સ્કૂલના મયુરભાઈ ગજેરા પણ હાજર રહ્યાં હતા. નિવૃત્ત શિક્ષકોએ શરૂ કરેલા આ અભિયાનમાં ડોકટરો અને વેપારીઓ પણ જાડાઈ રહ્યાં છે.

ધો.૧૦ ભણેલા વૈદિક ગણિતમાં માસ્ટર
અમરેલીમાં દરજીકામ કરતા અને માત્ર ધો.૧૦ ભણેલા કનુભાઈ કલસરીયા વૈદિક ગણિતમાં માસ્ટર છે. પોતાની સુઝબુઝથી ગણિતના હિસાબો કઈ રીતે ઝડપથી કરી શકાય તે માટે વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે. કનુભાઈ કલસરીયાની આ વૈદિક ગણિત પધ્ધતિ બાળકોને ખુબ જ ઉપયોગી થઈ રહી છે.
બાળકો માટે સમર કેમ્પનું આયોજન
નિવૃત્ત શિક્ષકોએ શરૂ કરેલા શિક્ષણના મહાયજ્ઞમાં બાળકોને ગણિતમાં રૂચી વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. બાળકોને સમર કેમ્પમાં વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. નિવૃત્ત શિક્ષકોએ શરૂ કરેલા આ શિક્ષણના યજ્ઞમાં બાળકો ભાગ લઈ ગણિત શીખી રહ્યાં છે. આ કેમ્પમાં વેકેશનમાં બહારગામથી આવેલા બાળકો પણ ભાગ લઈ શિક્ષકોની આ કામગીરીને વખાણી રહ્યાં છે.