વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખા દેશમાં તહેવારોને લઈને ઉત્સાહ છે. આગામી તહેવારો માટે હું દેશવાસીઓને અભિનંદન આપવા માંગુ છું. તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ અમારા તહેવારોમાં અમારી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોવી જોઈએ અને સાથે મળીને એ સપનું પૂરું કરવું જોઈએ. અમારું સ્વપ્ન ‘આત્મનિર્ભર ભારત’ છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં  મોદીએ કહ્યું કે, આજે ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. ઘણી મોટી બ્રાન્ડ્‌સ અહીં તેમના પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે. જો આપણે તે ઉત્પાદનો અપનાવીએ તો મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે છે. આ પણ ‘વોકલ ફોર લોકલ’ જ થવાનું છે. તેમણે પ્રોડક્ટ ખરીદતી વખતે UPIનો ઉપયોગ કરવાનું કહ્યું. તેને જીવનમાં આદત બનાવો. પ્રધાનમંત્રીની અપીલને મોટાભાગના દેશવાસીઓએ અપનાવી છે અને આગામી દિવાળીના પર્વ નિમિત્તે સ્થાનિક વેપારીઓ અને કારીગરો પાસેથી વસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીની અપીલને સાકાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવા અમરેલીમાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ અમરેલી શહેરમાં નવતર અભિગમ દર્શાવ્યો છે. અમરેલી શહેરની મુખ્ય બજાર ટાવર રોડ રાજકમલ ચોક વિવિધ બજારોમાં ખરીદી કરી વોકલ ફોર લોકલનો સંદેશ શહેરીજનોને આપ્યો હતો. ભાજપના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો ધારાસભ્ય સાથે જોડાયા હતા. દિવાળીની ખરીદી સ્થાનિક બજારોમાંથી કરવા માટે ધારાસભ્યએ અપીલ કરી હતી. ધારાસભ્ય ડોર ટૂ ડોર નીકળતા શહેરના વેપારીઓ લારી ધારકોને પ્રોત્સાહન મળ્યું અને શહેરમાં ભારે ઉત્સાહ છવાયો હતો. સૌરાષ્ટ્રમાં ગઈ દિવાળીએ પ્રથમ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ વોકલ ફોર લોકલ ખરીદી કરી હતી. ત્યારબાદ અન્ય ધારાસભ્યોએ શરૂઆત કરી હતી. આ દિવાળીમાં પ્રથમ અમરેલીના ધારાસભ્ય બજારોમાં ફરીવાર નાના વેપારીઓ પાસેથી સ્થાનિક ઉત્પાદનની ખરીદી કરવામાં આવી હતી. શહેરની અલગ અલગ બજારોમાં ધારાસભ્ય સાંજના સમયે નીકળી ખરીદી કરી અને વેપારીઓને રૂબરૂ મળી રહ્યા છે. જો કે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાને લઈ લોકો સ્થાનિકો પાસેથી જ ખરીદી કરે તે જરૂરી છે જેથી નાના વેપારીઓ પણ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે.