અમરેલીમાં બે દિવસ પહેલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખનો બોગસ લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને સાથે લઈ રીકન્ટ્રક્શન કરતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય આરોપી અમરેલી તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંતગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી સહિતની અલગ અલગ લેટરપેડમાં ભૂમિકાઓ સામે આવતાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અમરેલી પોલીસની ટીમો દ્વારા આરોપીઓ દ્વારા કેવી રીતે લેટરપેડ બનાવવામાં આવ્યા હતા તેનું રીકન્સ્ટ્રક્શન, પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ધારાસભ્ય સામે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટેનું રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. તે ભાજપના જ કાર્યકરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓને ભાજપમાં જ રહી ભાજપના નેતાઓનો વિરોધ કરવો ભારે પડ્યો હતો. આરોપીઓની પાછળ ક્યા મોટા નેતાનો હાથ છે તે જોવાનું રહ્યુ. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આરોપીઓના કાલ સાંજ સુધી એટલે કે એક દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.