અમરેલી જિલ્લામાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી હતી. અમરેલીથી સાજીયાવદર તરફ જઈ રહેલા બાઈક સવાર આધેડને દેવરાજીયા ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ઠોકર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે સાજીયાવદર ગામના કિરણભાઇ હમીરભાઇ પરમાર (ઉવ ૪૦) એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સાજીયાવદર ગામના વતની ગૌતમભાઈ ગત રાત્રિના આશરે પોણા દસેક વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ (રજી. નં. ય્ત્ન ૧૪ ઁ ૯૨૯૭) લઈને અમરેલીથી પોતાના ગામ સાજીયાવદર તરફ જઈ રહ્યા હતા. ગૌતમભાઈ જ્યારે દેવરાજીયા ગામથી આગળ અમરેલી તરફના રોડ પર પહોંચ્યા, ત્યારે પાછળથી કે સામેથી આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના મોટરસાયકલને અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગૌતમભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.