ડો.ભરત કાનાબાર પ્રેરિત અમરેલી સ્થિત અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ‘સ્વદેશી અભિયાન’ને વેગ આપવા માટે આગામી ૨૧ સપ્ટેમ્બર, રવિવારના રોજ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને અમરેલીના ટાવર ચોક ખાતે દુકાનો પર સ્વદેશી ઉત્પાદનો વેચવાના સ્ટીકરો જાતે લગાવશે. આ સ્ટીકરો પર ‘મને ગર્વ છે કે મારે ત્યાં માત્ર સ્વદેશી ઉત્પાદનો જ વેચાય છે’ એમ લખેલું હશે. આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, હિરાભાઈ સોલંકી, જનક તળાવીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પી.પી. સોજીત્રા, અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, હીરેનભાઈ હિરપરા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે બુધવારે રાત્રે અજમેરા સ્કૂલ ખાતે શહેર અને જિલ્લાના વેપારી સંગઠનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક પણ યોજાઈ હતી.