અમરેલી જિલ્લામાં આગામી તા.૭ના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર જાર-શોરથી કરી રહ્યાં છે. આવનારા ૬ દિવસોમાં પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે ચૂંટણીના ગણતરીના દિવસો દરમિયાન બંને પક્ષો માઈક અને પત્રિકા દ્વારા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે. જા કે પત્રિકા દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવતા આ પત્રિકા બાબતે જેસીંગપરામાં બઘડાટી બોલી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જેસીંગપરામાં કોંગ્રેસના ટેકેદારે કોંગ્રેસ તરફી પત્રિકા છપાવી કોંગ્રેસને મત આપવા અંગે જણાવતા જ આ બાબતની જાણ ભાજપના ટેકેદારોને થતા તેઓએ કોંગ્રેસી ટેકેદારને જણાવેલ કે આ વિસ્તાર ભાજપનો છે અને અહીં કોંગ્રેસનો પ્રચાર કરવો નહી તેમ કહી પત્રિકાઓ આંચકી લીધી હતી. આ બાબતે કોંગ્રેસી ટેકેદારોને જાણ થતા તેઓ પણ જેસીંગપરા ખાતે ધસી આવ્યા હતા અને બંને પક્ષના ટેકેદારો વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
વિરજી ઠુંમરે જેસીંગપરામાં ગ્રાન્ટ જ આપી નથી: સંદિપ માંગરોળીયા
કોંગ્રેસ તરફથી પત્રિકા વેચવામાં આવતા જેનો વિરોધ થયા બાદ પાલિકા સદસ્ય સંદિપ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન સાંસદ વીરજીભાઈ ઠુંમરે આ વિસ્તારમાં કયારેય વિકાસ કર્યો જ નથી. જા કોંગ્રેસે જેસીંગપરાનો વિકાસ કર્યો હોય તો તેની પત્રિકા આ વિસ્તારમાં વહેચે પછી કોંગ્રેસ પ્રચારની પત્રિકા વહેચે. પૂર્વ સાંસદે આ વિસ્તારમાં એકપણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી. તેમજ જેસીંગપરાના ખેડૂતો માટે પણ કાંઈ કરવામાં આવ્યું નથી.
લોકશાહીમાં ગમે તે વિસ્તારમાં પ્રચાર કરી શકાય: અર્જુન સોસા
જેસીંગપરા વિસ્તારમાં પત્રિકા બાબતે થયેલ બોલાચાલી બાબતે અમરેલી જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં ગમે તે વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાય છે. ભાજપના લોકો પત્રિકા વિતરણ અટકાવે તે વ્યાજબી નથી.