અમરેલીના જાળીયા ગામે એક કરૂણ ઘટના બની હતી. માતાના મોતના વિરહમાં પુત્રીએ ગળાફાંસો ખાતા મોત થયું હતું. આ બનાવ અંગે ચંપાબેન વિનુભાઈ ગોહિલ (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, ધરતીબેન કેશુભાઈ દંડીયા (ઉ.વ.૧૯)ના માતા ઉર્મિલાબેન કેશુભાઈ આશરે દસેક મહિના પહેલા મરણ પામ્યા હતા. તેનું માનસિક દુઃખ રહેતું હોવાથી બે દિવસ પહેલા પોતાની મેળે ઘરના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એસ.એમ.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના છભાડિયા ગામે રહેતા લલીતભાઈ રાબડીયા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમનો ભત્રીજો રાહુલભાઈ રાબડીયા પોતાના ઘરે બાથરૂમમાં નાહવા માટે ગયો તે સમયે પડી જતાં બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. જાફરાબાદના પાટી માણસા ગામે ભાઈ-બહેન વચ્ચે જમવા બાબતે માથાકૂટ બાદ એસિડ પી લેનારી બહેનનું સારવારમાં મોત થયુ હતું.